"બીજાના ઘાવને તમારા સાથે શેર કરવા"
એરીયલ બર્ગર દ્વારા
મારો પુત્ર ઇઝરાઇલમાં એક સેમેસ્ટરના લાંબા પ્રોગ્રામ માટે ગયો હતો, પછી તે 10 દિવસ માટે પોલેન્ડ ગયો હતો. આ પ્રોગ્રામમાં, તેણે મેસન નામના નવા મિત્ર સાથે મિત્રતા કરી. જ્યારે તેઓ પોલેન્ડ પહોંચ્યા, ત્યારે તેઓ યુદ્ધ પહેલાંના જ્યુઇશ જીવનના કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા હતા અને જેલોમાં પણ ગયા હતા. પોલેન્ડમાં રહેવાના ત્રીજા કે ચોથા દિવસે, મેસન એક દિવસ માટે પ્રોગ્રામના એક કાઉન્સેલર સાથે અદૃશ્ય થયો.
પાછા ફરીને તેણે મારા પુત્રને એક વાર્તા કહી. તેણે કહ્યું, “મારા દાદા-દાદી એ સમયની દુઃખભરી પરિસ્થિતિમાંથી જીવતા બચી ગયા હતા. ઓશવિસમાં તેઓને કેદી બનાવવાના ૩ અઠવાડિયા પહેલા જ તેઓએ લગ્ન કર્યા હતા.(Auschwitz - એ નાઝીઓ દ્વારા બનાવાયેલ એક મોટી જેલ હતી જ્યાં લોકોને કેદમાં રાખવામાં આવતાં અને અંતે મારી નાખવામાં આવતાં) ત્યાં તેઓને અલગ કરવામાં આવ્યા, અને મારા દાદા દર સાંજે જેલમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેની વાડ પર જતા, મારા દાદીને બ્રેડનો ટુકડો કે વધારાનું બટાકું આપવા કે માત્ર તેને જોવા માટે જ જતા હતા, જ્યા સુધી મારી દાદીને ઓશવિસની બહાર રેબિટ ફાર્મમાં મોકલવામાં ન આવ્યા.”
રેબીટ ફાર્મ પર નાઝીઓ તીક્ષ્ણ તાવ નો ઈલાજ શોધવા માટે સસલાઓ પર પરીક્ષણ કરી રહ્યા હતા. આ રેબિટ ફાર્મને એક પોલિશ માણસ ચલાવતો હતો, જેને ઘણો વહેલા જ ખ્યાલ આવી ગયો હતો કે સસલાઓને યહુદી કેદીઓ કરતાં વધારે સારી ગુણવત્તાનો ખોરાક અને સંભાળ મળતી હતી. તેથી તેણે યહુદી કેદીઓ માટે આ ખોરાક ચોરવાંનું શરૂ કર્યું.
"અને પછી," મેસને મારા પુત્રને કહ્યું, "મારી દાદીનો હાથ દીવાલ પર કાંટાળા તારના ટુકડા થી કપાઈ ગયો અને તેના લીધે ચેપ લાગ્યો. એ સમયે જો તમારી પાસે એન્ટિબાયોટિક્સ હોય તો ગંભીર ચેપ નહીં લાગે.. પરંતુ અલબત્ત એ સમય ગાળામાં, એ જગ્યા પર તમે યહૂદી હોત તમને એન્ટિબાયોટિક્સ સંભવ જ નથી. તો પછી એ પોલેન્ડની વ્યક્તિ, જે એ સસલા ફાર્મ નો રખેવાળ હતો, એણે શું કર્યું ? તેણે પોતાના હાથ ને ઈજાગ્રસ્ત કરી દીધો, અને તેણે પોતાના ઇજા પામેલા ભાગ ને દાદી ના ઈજાગ્રસ્ત હાથ પર મૂકી દીધો જેથી તેને પણ ચેપ લાગે અને તેવું જ થયું તે પણ ચેપી થઇ ગયો. એ પછી તેણે ત્યાંના નાજી કમાન્ડર ને કહ્યું, “હું તમારો એક સૌથી સારો સંચાલક છું. અહીં નું સસલા ફાર્મ સૌથી વધુ ઉત્પાદક છે. જો આ ચેપના લીધે મારુ મૃત્યુ થઈ જાય તો તમને ઉત્પાદન માં ખૂબ નુકસાન થઈ જશે. મને ઇન્ફેક્શન ની દવા આપો.” એ લોકો એ એમને દવા આપી દીધી.
અને તેણે એ દવા પોતે પણ લગાવી સાથે મારા દાદી ને પણ આપી. અને આ રીતે મારી દાદી નો જીવ બચાવ્યો.
તેથી મેસને મારા પુત્રને પૂછ્યું, “તને ખબર છે, જ્યારે એક દિવસ હું તને વગર કહ્યે ક્યાંક જતો રહેલો, ત્યારે હું ક્યાં ગયેલો ? હું એજ પોલેન્ડ ના નાગરિક વ્યક્તિ પાસે ગયો હતો. એ આજે પણ જીવંત છે અને તે વૉરસૉ (પોલન્ડ નું એક શહેર) ની પાસે રહે છે. અને હું તેને કહેવા ગયો હતો કે મારા જીવન માટે આભાર, મારા જીવન માટે આભાર.
મારા પુત્રએ મને આ વર્ષે આ વાર્તા કહી, અને તે ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે કે, તેવા વ્યક્તિ કેવી રીતે બની શકાય જે કોઈ બીજાના ઘાને શેર કરશે, તે પણ એવા વ્યક્તિ સાથે જેનું મૂલ્ય સસલા કરતાં પણ ઓછું જોવાતું હોય? તે બધા દબાણ સહન કરીને પણ હિંમત અને નૈતિક સ્પષ્ટતા સાથે યોગ્ય કાર્ય કરવા, અને અન્ય વ્યક્તિને એક વ્યક્તિ તરીકે જોવા માટે શું જરૂરી છે, જ્યારે તમારી આસપાસની દરેક વસ્તુ તમને ન કરવા માટે કહે છે?
પ્રતિભાવ માટે બીજ પ્રશ્નો:
- તમે હિંમત અને નૈતિક સ્પષ્ટતા સાથે બીજાના ઘાને શેર કરવાની કલ્પના ને કેવી રીતે જુઓ છો?
- શું તમે એવા સમયની કોઈ અંગત વાર્તા શેર કરી શકો છો કે જ્યારે તમે કોઈ ના માટે પ્રહાર ઝીલ્યા હોય, અથવા કોઈએ તમારા માટે પ્રહાર ઝીલ્યા હોય?
- જ્યારે તમારી આસપાસની દરેક વસ્તુ તમને ના કહેતી હોય ત્યારે તે દબાણ સહી ને અન્ય વ્યક્તિ ને એક વ્યક્તિ તરીકે જોવામાં તમને શું મદદ કરે છે?