ધ્યાનનું લચીલું સંતુલન
- મેનકા સંઘવી દ્વારા
મેં એકવાર ઇમ્પ્રુવ ક્લાસનો પ્રયાસ કર્યો તે જોવા માટે કે શું તે આખરે મારા સ્ટેજ ની ગભરામણ ને શાંત કરવામાં મદદ કરશે ? તેવું તો ન થયું. પરંતુ હું કંઈક અદ્ભુત શીખ્યો.
જો કોઈ અભિનેતા પ્રેક્ષકોને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેઓ કોઈને પ્રેમ કરે છે, તો તેઓ તે વ્યક્તિને જોવામાં ઘણો સમય પસાર કરીને આ કરી શકે છે. તેમની નજર તેમના પ્રેમના પાત્ર તરફ પાછી ફરતી રહે છે, ફરીથી અને ફરીથી, તેના પર નજર રાખે છે, પીછો કરે છે, તેની વિગતોની નોંધ લે છે. પ્રેક્ષકોમાં બેઠેલા આપણને, આ ઘણું પ્રેમ જેવું લાગે છે. આપણે જોઈએ છીએ કે અભિનેતાનું ધ્યાન ક્યાં જઈ રહ્યું છે, અને આપણે સાહજિક રીતે તેમની કાળજી અનુભવીએ છીએ. એક બાળક પણ તેને સમજશે. તેની સાદગી ખરેખર હૃદયને સ્પર્શી ગઈ. આપણને જેની દરકાર હોય છે, તેને જોયા કરીએ છીએ.
ધ્યાન આપવા માટે એક મહાન રૂપક છે "ધ્યાનની કસરત." ("gymnastics of the attention.") આ પુસ્તક સિમોન વેઇલનું છે, જે લે પુયની કન્યા શાળામાં વિજ્ઞાનનું ફિલસૂફી શીખવતા હતા. તેણીએ ધ્યાનની તાલીમ તરીકે શિક્ષણ વિશે વાત કરવા માટે આ રૂપક નો ઉપયોગ કર્યો. અને રૂપક અગત્યના હોય છે. તે એ વાત પર ભાર મૂકે છે કે આપણે જે કઈ પણ કરીએ છીએ તેમાં ગતિ,, અભ્યાસ અને પસંદગી ની ભૂમિકા હોય છે. અને ચોક્કસ, આપણે પડીએ છીએ અને આપણે મોડી રાત સુધી નકારાત્મક વિચારતા રહી શકીએ છીએ, પરંતુ આપણે પાછા ઊભા થઈ શકીએ છીએ અને એક વધુ પ્રયત્ન કરી શકીએ છીએ. સમય ની સાથે, આપણે જે પણ વસ્તુ ને જોયા કરીએ છીએ, તેની જ આપણને કાળજી હોય છે.
મેં મારી કારકિર્દીની શરૂઆત બેઘર લોકો અને હવામાન પરિવર્તન જેવા સામાજીક પડકારો પર કામ કરીને કરી હતી. પંદર વર્ષ પછી, મેં મારા ધ્યાનને માઈન્ડફુલનેસના આંતરિક પાસાઓ પર કેન્દ્રિત કર્યું, જેના કારણે મારા ઘણા મિત્રો અને સહકર્મીઓ થોડા ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે હું ખૂબ જ વધુ યોગા રિટ્રીટમાં જવા લાગી છું અને મેં કઠિન બાબતોને છોડી દીધી છે! જ્યારે મારા માટે, આ એકદમ વિપરીત હતું. જ્યારે આપણે એકબીજાની કાળજી લેવાનું બંધ કરી દઈએ છીએ, અને આપણે બધા એકબીજા સાથે કેટલા જોડાયેલા છીએ એનો વિચાર કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણે વધુ એકલા, અલગ-અલગ, ધ્રુવીકૃત (માત્ર પોતાની માન્યતા જ સાચી માનવી) અને અહીં સુધી કે શોષક અનુભવી શકીએ છીએ.
તો પ્રશ્ન એ છે: ક્યાં ધ્યાન આપવું યોગ્ય છે? આપણી પાસે ઇન્ટરનેટ પર અનેક પેજ અને તાત્કાલિક શોધી આપે એવા સર્ચ એન્જિનના અનંત વિકલ્પો છે. પરંતુ નજીકથી જોતા, આપણે જોઈ શકીએ છીએ કે આ એલ્ગોરિધમ (સમસ્યા-નિવારણની પદ્ધતિ) તો વિકલ્પના રૂપમાં ફક્ત મોનોકલ્ચર (એકતરફી કટ્ટર વિચારધારા ધરાવતી સમજ) જ બનાવે છે. તે એક શાનદાર વાનગીની જેવી લાગતી હોઈ શકે છે, પરંતુ તે મોટાભાગે ફક્ત પાતળું દાળનું પાણી જ છે. જાણી જોઈને કરવામાં આવેલ કુપોષણ, આપણને સરળતાથી પોતાની સાથે, એકબીજા સાથે અને કુદરતી દુનિયા સાથે અલગ હોવાનો અનુભવ કરાવે છે.
મારા મસ્તિષ્કમાં, ધીમી ગતિ -> કૌતુક -> પસંદગી -> ધ્યાન -> જોડાણ -> કાળજી ને લગતું એક તર્કશાસ્ત્ર નું સૂત્ર પરોયેલું છે, પરંતુ ઘણી વાર, આ બધા શબ્દો ગંભીરતા ના ગૂંચવણભર્યા ગાઢ મિશ્રણમાં ભળી જાય છે.
તમે, વિવિધ સમયે, જ્યારે પણ કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, થોડું વિરામ લઇને તમારા જાતને આ પ્રશ્ન પૂછો, “શું આ મારા દ્વારા પસંદ કરાયેલ છે?” ઉત્સુકતાથી તપાસો કે જે તમે જોઈ રહ્યા છો તે તમારી આદતો અથવા બાહ્ય પ્રભાવોથી પ્રેરિત છે કે તેની વિપરીત, તે તમારી આંતરિક સાધના અને તમારા પોતાના ધ્યાનના સંતુલનથી પ્રેરિત છે.
મનન માટે બીજ પ્રશ્નો :-
- તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે આપણે તે જ વસ્તુઓને જોવાનો અભ્યાસ કરીએ છીએ જેની આપણને કાળજી છે ?
- શું તમે તમારા જીવનની તે સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહેશો જ્યારે તમે વાસ્તવિક રીતે ઉત્સુક થયા હતા એ જોઈને કે જે તમે જુઓ છો તેમાંથી કેટલું તમારી આદતોથી અથવા બહારના પ્રભાવથી પ્રેરિત છે અને કેટલું તમારી અંદરની સાધનાથી પ્રેરિત છે ?
- તમને તમારા ધ્યાન દેવાની પસંદગીના વિશે થોડો વિરામ લઈને અને તેને ઉત્સુકતાથી જોવામાં શેનાથી મદદ મળે છે ?