ગુણો વિટામીન જેવા હોય છે – આદમ ગ્રાન્ટ
ગુણો થોડાઘણા વિટામીન જેવા છે. વિટામીન શરીર માટે જરૂરી છે. પણ શરીર ની જરૂર કરતાં વધુ હોય તો? જો તમે વધું પડતું વિટામીન સી લઈ લો, તો તે તમને નુકસાન નહીં કરે. પણ વિટામીન ડી ની માત્રા જરૂર કરતાં વધે, તો, ગંભીર પરિણામ આવી શકે : તમારી કીડની ખરાબ થઈ શકે.
મહાન ફિલસૂફ અરીસ્તોતલ એવું માનતા કે ગુણો આ વિટામીન ડી જેવા છે. ગુણો નો અભાવ કે અતિરેક બંને હાનીકારક છે. તેમનું માનવું એવું હતું કે દરેક ગુણ આ અભાવ અને અતિરેક ના દુર્ગુણ વચ્ચે સમાયેલો છે. રમુજ નો અભાવ શુષ્ક છે; અતિરેક બાલીશ. ગર્વ નો અભાવ આપણને પામર બનાવે છે; અતિરેક સ્વકેન્દ્રિયતા ને પોષે છે. આત્મસંયમ નો અતિરેક તમને લેસન કરતાં બેસાડે જયારે તમારા મિત્રો મજા કરતાં હોય. આત્મસંયમ ના અભાવે તમે ચોથો આઈસક્રીમ ખાવાનો પસ્તાવો કરશો.
હવે ઉદારતા નો દાખલો લઈએ. હું ઉદારતા નો મોટો ચાહક છું. મારી કારકિર્દી ના કાળ દરમિયાન મેં ઉદારતા નો ખુબ અભ્યાસ કર્યો છે અને એક પુસ્તક પણ લખ્યું, તે દર્શાવતું કે, કેવી રીતે ઉદારતા માત્ર આપણી ખુશી નહીં પણ સફળતાનું પણ માર્ગદર્શન કરે છે. મેં એવું શોધ્યું કે લાંબે ગાળે, દેનાર લેનાર કરતાં પણ આગળ નીકળી જાય છે. પણ ઉદારતા માં અતિરેક હોય તેવું શક્ય છે. તે હંફાવી દેવાની રીત છે. શિક્ષકોનો દાખલો જોઈએ. ભણતર વિદ્યાર્થી ને મદદ કરવા માટે છે, એટલે આપણને ઉદાર શિક્ષક ગમે છે. પણ અમારા સંશોધનમાં રેબ રેબ્લે અને મેં એવું શોધ્યું કે જે શિક્ષકો એકદમ નિસ્વાર્થ હતાં તેઓ કક્ષામાં રસહીન અને શુષ્ક હતાં – તેમના વિદ્યાર્થીઓ પણ અતિશય નબળું પરિણામ લાવતાં.
બીજો પ્રિય ગુણ છે સચ્ચાઈ. “Be true to yourself”- પોતાની સાથે સચ્ચાઈ રાખો, એ મોટાભાગના આરંભિક વક્તવ્યનું મુખ્ય સાર તત્વ હોય છે. હું તમને પોતાની સાથે ખોટાં થવા નહીં પ્રેરું. તમારે પ્રમાણિક જ રહેવાનું છે. પણ જો પ્રમાણિકતા તમારા જીવન નો મુખ્ય ગુણ હોય, તો ખતરો છે કે તમે તમારો વિકાસ રૂંધી નાખો. પ્રમાણિક રહેવા, તમારે તમારા વ્યક્તિત્વ અને ગુણો વિષે સ્પષ્ટ સમજ હોવી જોઈએ. અને તમને ખબર હોવી જોઈએ કે તમે કોણ છો. અને આવું તમને એક ચોક્કસ લંગર પર બાંધી રાખશે, અને તમારા વિકાસ ના દ્વાર બંધ કરશે.
ત્રીજો જાણીતો ગુણ છે સાહસ. “Never give up”- કયારેય છોડવું નહીં, તે દસ માંથી ચાર પદવીદાન સમારોહ ના વક્તવ્ય માં હોય છે. નિરંતર પ્રયાસ એ સફળતા અને ખુશી મેળવવા પાછળ નું મહત્વ નું પાસું છે. પણ આ અધુરી કથા છે. કેમકે દરેક જે.કે.રોલિંગ અને વોલ્ટ ડીસની અને લેનન અને મેકકર્ટની ની સામે હજારો લેખકો અને ઉદ્યોગી અને સંગીતકાર એવા છે જેઓ સાહસ ના અભાવે નહીં , પણ તેઓ સાહસનો કેવો ઉપયોગ કરે છે તેને કારણે નિષ્ફળ થયા છે. ક્યારેય છોડવું નહીં તે ખરાબ સલાહ છે. કયારેક છોડી દેવું એ સારો ગુણ છે. સાહસ નો અર્થ એ નથી કે “જે નિષ્ફળ થતું હોય તે વારંવાર કરવું .” તેનો અર્થ એ કે “તમારા સ્વપ્ન ને એટલાં બહોળાં સ્વરૂપે સમજો કે પહેલી કે બીજી યોજના નિષ્ફળ થાય તો તમે તેમને સાકાર કરવાના નવા રસ્તા શોધી શકો.”
આજે, મારી સલાહ છે કે તમે ગોલ્ડીલોકસ વાર્તા નું પાનું ઉઘાડો. ખીર ની જેમ, ગુણો પણ અતિશય ઠંડા કે ગરમ હોય શકે. વધું તે હંમેશ સારું તેવું પણ નથી. એવા ગુણો જે તેની ગરમીથી બાળે કે હિમ જેવા ઠંડા હોય તેનાંથી સાવધ રહો. જો તમારે પરિસ્થિતિ નો સામનો કરવા ની ક્ષમતા કેળવવી હશે, તો, તમે પ્રમાણસર ઉદારતા, પ્રમાણિકતા અને સાહસ કેળવો.
આદમ ગ્રાન્ટ બિઝનેસ સ્કુલ ના પ્રોફેસર અને જગપ્રસિદ્ધ લેખક છે. આ તેમના ૨૦૧૭માં ઉટાહ સ્ટેટ માં આપેલા વક્તવ્ય માંથી ઉદધૃત .
મનન ના પ્રશ્નો:
૧.) ગુણો અભાવ અને અતિરેક ના દુર્ગુણ વચ્ચે સમાયેલ છે તે વિષે તમારું શું મંતવ્ય છે ?
૨.) તમે ક્યારેય પ્રમાણસર ગુણ હોવાનો અનુભવ કર્યો છે ?
૩.) ગુણો પ્રમાણસર છે, તેવું કેવી રીતે જાણી શકીએ ?