માત્ર ઝૂલતો દરવાજો બનો – શુનરયું સુઝુકી
આપણે જયારે સાધના (ધ્યાન) કરીએ ત્યારે મન હંમેશ શ્વાસ ને અનુસરે છે. આપણે શ્વાસ લઈએ ત્યારે હવા આપણા અંતર જગત માં પ્રવેશ કરે છે. જયારે ઉછ્વાસ થાય, ત્યારે હવા બહાર ના જગત માં જાય છે. અંતર જગત અનંત છે, અને બહાર નું જગત પણ અનંત. આપણે એવું કહીએ કે આ “અંતર જગત” કે આ “બહાર નું જગત”, પણ, ખરેખર તો આ એક સમગ્ર પૂર્ણ સૃષ્ટી જ છે. આ અનંત સૃષ્ટી માં, આપણું ગળું એક ઝુલતા દરવાજા જેવું છે. જેમ કોઈ ઝુલતા દરવાજા માંથી આવ-જાવ કરે તેમ હવા તેમાંથી પસાર થયા કરે છે.
જો તમે એમ માનતા હો કે “હું શ્વાસ લઉં છું” , તો આ “હું” વધારાનો છે. તમે કોઈ “હું” કહો તેવું અસ્તિત્વ જ નથી. જેને તમે “હું” કહો છો તે માત્ર આ જુલતો દરવાજો છે જે શ્વાસ-ઉછ્વાસ વખતે હલે છે. તે માત્ર હલે છે; બસ આટલું જ . જયારે તમારું મન શુદ્ધ અને શાંત બની અને તેને અનુસરે ત્યારે, એવો એહસાસ કરી શકે કે કંઈ છેજ નહીં: “હું”, જગત, મન, શરીર કંઇજ નથી ; માત્ર જુલતો દરવાજો.
તો જયારે આપણે સાધના (ધ્યાન) કરીએ, ત્યારે માત્ર શ્વાસ ની ગતિ નું અસ્તિત્વ છે, પણ આપણે તેની ગતિ થી વાકેફ છીએ. તેને પ્રત્યે ગાફેલ નથી થવાનું. તેને પ્રત્યે સજગતા એ કંઈ કોઈ પોતાની જાત વિષે નો ન્યૂન ખ્યાલ નથી, પણ તમારા વિશાળ બ્રહ્માંડ જેવા અસ્તિત્વ ની ઓળખ છે...આવી સમજ ખુબ જરૂરી છે, કારણકે આપણે મોટાભાગે એકતરફી વલણ ધરાવીએ છીએ.
આપણી જીવન વિશેની સામાન્ય સમજ દ્વૈતવાદી છે: તમે અને હું, આ અને તે, સારું અને ખરાબ. પણ હકીકતે તો આ ભેદ પોતેજ બ્રહ્માંડ ના અસ્તિત્વ ની સમજ છે. “તમે” એટલે બ્રહ્માંડ ની તે સ્વરૂપે ઓળખ અને “હું” તે તેની મારા સ્વરૂપે ઓળખ. હું અને તમે માત્ર ઝુલતા દરવાજા.
આ ક્ષણે ઝૂલતો દરવાજો એક બાજુ ખુલે, અને બીજી જ ક્ષણે તે તદ્દન ઉલટી દિશા માં ખુલશે.
ક્ષણ-પ્રતિક્ષણ આપણે બધાં આ કાર્ય ને ફરી ફરી ને કરીએ છીએ. અહિયાં સમય કે અવકાશ નું કોઈ અસ્તિત્વ જ નથી. સમય અને અવકાશ પણ એક જ છે.
જયારે આપણે ખરેખર આપણું સ્વરૂપ ધારણ કરીએ, ત્યારે માત્ર ઝૂલતો દરવાજો બની જઈએ, અને તે ઘડીએ આપણે શુદ્ધ રીતે બધે થી મુક્ત અને છતાંય બધાં ઉપર આધારિત. હવા વિના શ્વાસ શક્ય નથી. આપણે બધાં અનેક સૃષ્ટી ની વચ્ચે વાસ કરીએ છીએ. અને જગત ના કેન્દ્રબિંદુ માં હર ક્ષણે છીએ. એટલે આપણે પૂર્ણપણે આધારિત હોવા છતાંય મુક્ત છીએ. જો તમને આવો અનુભવ થાય, આવા અસ્તિત્વ નો, તો તમે પૂર્ણ મુક્તિ મેળવો છો; તમે કશાયથી પરેશાન નહીં થાવ.
મનન ના પ્રશ્નો:
૧.) ઝુલતા દરવાજા બનવા વિષે તમે શું માનો છો?
૨.) શ્વાસ ઉપર ધ્યાન કરતી વખતે તમને ક્યારેય તમારા બ્રહ્માંડ સરખા સ્વભાવ નો અનુભવ થયો છે?
૩.) ખરેખર પોતાનું સ્વરૂપ કેવી રીતે કેવી રીતે બનવું?
સુઝુકી રોશી જગવિખ્યાત ઝેન ગુરુ હતાં. આ તેમના પુસ્તક “Zen Mind, Beginner's Mind” માંથી ઉદધૃત.