હું, હું જ છું – વર્જીનીયા સતીર
હું તો હું જ છું. આ દુનિયા માં, બિલકુલ મારાં જેવું કોઈ નથી. એવા લોકો છે જેમાં મારો અમુક અંશ હોય, પણ અદ્લોઅદ્લ મારાં જેવું તો કોઈ ના બની શકે. એટલે, મારામાંથી જે કંઈ નીકળે તે ખરેખર મારું જ છે કારણકે મેં એકલાએ તેનો ચુનાવ કર્યો છે.
મારા વિષેનું બધું મારી માલિકી નું છે. મારું શરીર અને તે જે કંઈ કરે તે; મારું મન અને તેના વિચારો અને તુક્કાઓ; મારી આંખો અને જે ચિત્ર તેમાં સમાયેલા છે તે; મારી સંવેદના જેવી પણ હોય .. ક્રોધ, ખુશી, કંટાળો, પ્રેમ, નિરાશા, ઉત્તેજન; મારા હોઠ અને તેમાંથી જેવા શબ્દો નીકળે છે તે નમ્ર, મીઠા કે કડવા, સાચા કે ખોટા; મારો અવાજ મૃદુ કે કર્કશ. અને મારા કર્મો, પોતાને માટે કે બીજાને માટે.
મારા સ્વપ્ના, કલ્પના, આશાઓ, ભય બધું મારું. મારી જીત, હાર, ભૂલ અને યશ બધું મારી માલિકી નું. કારણકે આ બધાની મારી માલિકી છે , હું મારી સાથે ગાઢ રીતે સંલગ્ન હોય શકું. એવું કરવાથી હું મને પ્રેમ કરી શકું અને મારી અંદર જેટલાં ભાગ છે તે બધાં સાથે મિત્રતા. પછી એ બધાંને મારાં સુખ સાટે કામ કરવામાં જોડવાનું શક્ય છે.
હું જાણું છું કે મારી અંદર ની ઘણીજ બાબતો મારે માટે કોયડા જેવી છે, અને અમુક જેના વિષે મને જ્ઞાન નથી. પણ જ્યાં સુધી હું મારી સાથે પ્રેમાળ અને મૈત્રી ભર્યું વર્તન કરી શકું, ત્યાં સુધી, હું હિંમત અને આશા સભર બની અને આ કોયડાઓ નો ઉકેલ આણી અને મારી જાત વિષે વધુ જ્ઞાન મેળવી શકું.
જો કે, અત્યારે જે મારો દેખાવ, વર્તાવ, વાણી અને કર્મ છે, કે મારા વિચાર અને સંવેદના છે, આ ક્ષણ માં તે હું જ છું. આ ક્ષણ ની આ મારી સચ્ચાઈ નું પ્રગટીકરણ છે. પાછળ થી હું વિચારું અને મને લાગે કે મારો દેખાવ, વર્તાવ, વાણી કે કર્મ, અને અનુભવ કદાચ અનુચિત હતો. તો જે અનુચિત છે તેનો ત્યાગ કરવો અને જે ઉચિત છે તેનો સ્વિકાર અને જેનો ત્યાગ કર્યો તેને બદલે કંઇક નવું શોધવું.
મારી પાસે જોવા માટે દ્રષ્ટી, સાંભળવા માટે શ્રવણ શકિત, વિચાર શક્તિ અને બોલવા-કરવાની શકિત પણ છે. જીવવા માટે ના તમામ સાધન છે, બીજા સાથે સંલગ્ન રહેવું, ફળદ્રુપ બનવું અને દુનિયા માં મારી બહાર રહેલા વ્યક્તિઓ કે વસ્તુઓ વિષે સમજણ કેળવવી તે હું કરી શકું છું. હું મારી માલિક છું અને એટલે મારી જાતને ઘડી શકું છું.
હું, હું જ છું અને મજામાં છું.
મનન ના પ્રશ્નો:
૧.) “હું” ની માલિકી સમજવી અને તેથી તેનું “ઘડતર” કરવાની સ્વતંત્રતા હોવી તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે કયારેય તમારી આંતરિક સ્થિતિ ની માલિકી સમજીને તમારા વિકાસ માટે ની સ્વાયત્તા નો ઉપયોગ કર્યો છે?
૩.) પોતાની જાત સાથે મિત્રતા સાધતા પોતાને જાણવા અને જાત વિષે ના કોયડા ઉકેલવા કેવી રીતે કટ્ટીબધ્ધ રહી શકીએ?
વર્જીનીયા સતીર એક લેખિકા અને પારિવારિક ઉપચારક હતાં જેમણે આ કવિતા યુવાવયે લખી જયારે તેમને પોતાને અને જીવન વિષે અનેક પ્રશ્નો હતાં.