સામુહિક કર્મગતિ – જે. કૃષ્ણમૂર્તિ
દુનિયા માં આપણે બધી બાજુએ અત્યંત ગરીબી કે અમીરી જોઈએ છીએ, એક બાજુ વૈપુલ્ય, અને તેજ વખતે બીજી બાજુ ભૂખ મરો; આપણે ત્યાં જાતી ભેદ, કોમી નફરત, રાષ્ટ્રવાદ ની મૂર્ખતા અને ભયંકર યુદ્ધ ની નિર્દયતા. વ્યક્તિ વ્યક્તિનું શોષણ કરે છે; સંપ્રદાયો તેમના નિહિત સ્વાર્થ દ્વારા શોષણ નું સાધન બની ગયા છે, અને માનવ માનવ વચ્ચે ફૂટ પડાવે છે. સર્વત્ર અરાજકતા, નિરાશા, હતાશા અને મૂંઝવણ છે.
આપણે બધાં આ જોઈએ છીએ. આ આપણા જીવનનું અભિન્ન અંગ છે. દુઃખ ચક્ર માં ફસાયેલા આપણે, જો જરાપણ વિચારશીલ હોત, તો પૂછત, કે આ માનવી ના દુઃખો નો કેમ ઉપાય થાય. કાં તો તમે દુનિયા ની આ અરાજકતા તરફ જાગરુક છો, અથવા તે પ્રત્યે એકદમ સુષુપ્ત, એક ભ્રમ ભર્યા અદ્ભુત જગત માં વિહરતા. જો તમે જાગરુક હો, તો તમે આ દુઃખો સામે હામ ભીડો. આને સુલજાવવા માટેની કોશિશ માં, અમુક લોકો વિષેશજ્ઞો પાસે ઉપાય ખોળવા જાય છે, અને તેમના વિચારો અને માન્યતા ને અનુસરે છે. આમ કરતાં તેઓ એક અનોખું સ્વરૂપ ધારણ કરે છે, અને બીજાઓ સાથે અને તેમની ટોળી સાથે વિવાદ માં ઉતરે છે; અને પછી આવા વ્યક્તિઓ વિષેશજ્ઞો ના હાથ ની કઠપૂતળી બની ને રહી જાય છે. અથવા તો, આ દુઃખો નો ઉપાય શોધવા એક કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવવી, જેનું તમે ધ્યાનથી નિરીક્ષણ કરો, તો અન્ય નું શોષણ કરવાની વધુ એક રીત બની રહે છે. કાં તો તમે એવું વિચારો કે આ નિર્દયતા અને અરેરાટી ને બદલાવવા એક સામુહિક ગતિ ની જરૂર છે, સામુહિક કર્મ ની.
હવે આ વિચાર, સામુહિક કર્મગતિ નો તમારે માટે માત્ર અનોખો શબ્દ બની રહેશે, જો તમે વ્યક્તિગત રીતે, જે આ સમૂહ નો એક ભાગ છે, તે પોતાનું ખરું કર્મ નહીં સમજે. સાચી સામુહિક સાધના તો શક્ય છે, જો તમે વ્યક્તિ, જે આ સમૂહ પણ છો, તે જાગૃત બનો અને તમારા દરેક કર્મ ની જવાબદારી કોઈ પણ દબાણ વગર સ્વીકારો.
મહેરબાની કરી ને સમજો, હું તમને કોઈ ફિલસુફી ની પદ્ધતિ નથી આપી રહ્યો, જેનું તમે આંધળું અનુકરણ કરો, પણ હું તમારી અંદર સાચી અને બુદ્ધીપ્રદ તૃપ્તિ ની ઈચ્છા ને ઉજાગર કરવા માગું છું, જે એકલીજ દુનિયા માં સુખ અને શાંતિ સ્થાપિત કરી શકે છે.
દુનિયા માં મૂળ અને અનંત બદલાવ આવી શકે, પ્રેમ અને જાગૃતિ ની તૃપ્તિ આવી શકે, જયારે તમે જાગૃત બનો અને તમારી જાત ને ભ્રમ ના જાળા માંથી મુક્ત કરવાની શરૂઆત કરો, જે જાળાઓ તમે તમારા ભય ને કારણે ઉભા કર્યા છે.
જયારે મન પોતાની જાત ને આ બધાં થી મુક્ત કરે, જયારે સ્વયંસંચાલિત, ઊંડો, આંતરિક બદલાવ આવશે, ત્યારેજ ખરી અને અનંત સામુહિક કર્મસાધના શક્ય છે.
----- જે. કૃષ્ણમૂર્તિ નાં Total Freedom પુસ્તક માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) સ્વયંસંચાલિત, ઊંડો, આંતરિક બદલાવ તમારે માટે શું છે?
૨.) તમે ક્યારેય એવા સામુહિક કાર્ય માં જોડાયા છો, જ્યાં તમે વ્યક્તિગત રીતે જાગરુક અને દબાણ વગર કામ કરતાં હતાં?
૩.) પોતાની અંદર સાચી અને બુદ્ધીપ્રદ તૃપ્તિ ની ઈચ્છા ને કેવી રીતે ઉજાગર કરી શકીએ?