જયારે જ્યોત પ્રકાશે, અંધારું જ્યોતિર્મય બને છે
-થિક નાથ હાન
વારંવાર તમે બેચેન બનો, અને આ બેચેની જશે નહીં. આવે વખતે, માત્ર શાંતિથી બેસો, તમારા શ્વાસ ને જુઓ, હળવું સ્મિત કરો, અને તમારી પ્રજ્ઞા નો પ્રકાશ આ બેચેની પર પાડો. તેનું ન્યાયીકરણ ન કરો કે, તેને ખતમ ન કરો, કારણકે આ બેચેની તમે પોતે જ છો. એ પૈદા થઇ છે, થોડો સમય રહેશે અને પછી આપોઆપ લુપ્ત થશે, બહુ સહજપણે. તેનું મૂળ શોધવા માટે પણ બહુ ઉતાવળ ન કરો. તે લુપ્ત થઇ જાય તે માટે ખુબ મહેનત પણ ન કરો. માત્ર તેના પર પ્રકાશ પડવા દો. તમે જોઈ શકશો કે ધીરે ધીરે તે બદલશે, જોડાશે, એકાકાર થશે, તમારી સાથે, તેના દ્રષ્ટા સાથે. કોઈપણ માનસિક સ્થિતિ જેને તમે આ પ્રકાશ હેઠળ લાવશો તે કાળક્રમે હળવી બનશે અને દ્રષ્ટા ભાવ માં રહેલ મનના ગુણો ધારણ કરશે.
ધ્યાન ના તમામ સમય દરમિયાન, પ્રજ્ઞા નો સૂર્ય ઝળહળતો રાખવો. જેમ સ્થૂળ સૂર્ય, દરેક પર્ણ અને ઘાસ ના દરેક તણખલા ને પ્રકાશિત કરે છે, તેમ આપણી પ્રજ્ઞા ની જ્યોત આપણા દરેક વિચાર અને સંવેદના ને પ્રકાશિત કરે છે, આપણને તેની જાણ થાય છે, તેનો ઉદભવ, સમયકાળ અને લય, કોઈપણ ન્યાયીકરણ કે મુલ્યાંકન વગર, કે આવકાર કે નકાર વગર. અહિયાં એ જરૂરી છે કે, તમે તમારી આ પ્રજ્ઞા ને “મિત્ર” ન માની લો, જેને તમે “શત્રુ”, જે વિચારો ના સ્વરૂપે આવ્યા છે તેને ખત્મ કરવા બોલાવો છો. તમારા મનને એક યુદ્ધક્ષેત્ર માં ન બદલો. ત્યાં કોઈ યુદ્ધ ન કરો; તમારી સંવેદના સાથે – ખુશી, દુઃખ, ક્રોધ, નફરત – આ બધું તમારો એક ભાગ છે. પ્રજ્ઞા, મોટા ભાઈ કે બહેન ની ગરજ સારે છે, જે ઋજુ અને સચેત રહે છે, જે તમને માર્ગદર્શન આપવા અને જાગૃત કરવા રહે છે. જે સહિષ્ણુ અને સ્પષ્ટ ઉપસ્થિતિ છે, ક્યારેય આતંકી કે વિભેદી નહીં. તેની હાજરી, વિચારો અને સંવેદના ને શોધી અને પીછાણવા ની છે, નહીં કે તેનું સારા કે ખરાબ નું મૂલ્યાંકન કરવાની, કે તેને વિરોધપક્ષમાં મૂકી ને એકમેકમાં લડાવવાની. સારા અને ખરાબ વચ્ચે રહેલ વિરોધ, ક્યારેક, અજવાળા અને અંધારા સાથે સરખાવાય છે, પણ આપણે આને અલગ દ્રષ્ટિકોણ થી જોઈએ તો જયારે અજવાળું થાય છે, ત્યારે અંધારું અદ્રશ્ય નથી થઇ જતું. એ ક્યાંય જતું નથી; પણ પ્રકાશ માં મળી જાય છે. તે પોતે અજવાળું બની જાય છે.
થોડા સમય પહેલાં મેં મારા મહેમાન ને સ્મિત કરવાનું આમંત્રણ આપ્યું. ધ્યાન નો અર્થ એ નથી કે તમે મુશ્કેલી સાથે યુદ્ધ કરો. ધ્યાન એટલે માત્ર જુઓ. સ્મિત આની ખાત્રી કરાવે છે. એ ખાત્રી આપે છે કે તમે પોતાની સાથે ઋજુ બન્યા છો, અને પ્રજ્ઞા નો સૂર્ય તમારી અંદર પ્રકાશિત છે, કે તમારી પરિસ્થિતિ તમારા કાબુ માં છે. તમે સ્વ માં સ્થિત છો, અને થોડી શાંતિ મેળવી છે. આ શાંતિ એવી છે જે એક બાળક ને તમારા સાનિધ્યમાં પ્રેમથી ખેંચે છે.
--થિક નાથ હાન
મનન ના પ્રશ્નો:
૧.) અજવાળું થતાંજ અંધારું અજવાળામાં પલટાય છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમારા વિચારો ને તમે કયારેય મૂલ્યાંકન કે ન્યાયીકરણ કર્યા વગર માત્ર દ્રષ્ટાભાવ થી જોયા છે?
૩.) તમે પોતાના પ્રત્યે ઋજુતા કેવી રીતે દાખવી શકો?