સોનું ભરેલ થેલી ને ઠેલવી
– રેચલ નાઓમી રેમન
મારો એક દર્દી, એક ડોક્ટર જેમને કેન્સર છે, તે પોતાના સત્ર માટે અત્યંત પ્રસન્નતા પૂર્વક આવે છે. મારો વાર્તા પ્રેમ જાણી ને કહે છે, કે આજે તે મારે માટે એકદમ પર્યાપ્ત કથા લાવ્યો છે અને તેને આ બોધકથા વર્ણવી:
શિવ અને શક્તિ, હિંદુઓ માં માનીતું દૈવી યુગલ છે, તેઓ સ્વર્ગમાં પોતાના સ્થાને થી પૃથ્વી પર નજર રાખે છે. માનવ જન્મ ની કઠણાઈ, તેની જટિલ પ્રતિક્રિયાઓ, અને હંમેશ જોડાયેલ સંઘર્ષ તેમના હ્રદય ને સ્પર્શે છે. તેઓ આવું જોઈ રહ્યા છે ત્યાં શક્તિ ની નજર એક રસ્તે ચાલ્યા જતાં અત્યંત ગરીબ વ્યક્તિ પર પડે છે. તેના કપડાં મેલા અને ચોળાયેલા છે અને પગરખાં દોરી થી સાંધ્યા છે. આ દ્રશ્ય જોઇને માં શક્તિ નું હ્રદય કરુણામય બને છે. તે વ્યક્તિ નો સંઘર્ષ અને તેની ભલાઈ તેમને સ્પર્શે છે, શક્તિ દેવ પતિ તરફ વળી ને યાચના કરે છે કે આ વ્યક્તિ ને થોડું સોનું આપવું. શિવ જરાકવાર આ વ્યક્તિ નું નિરીક્ષણ કરી ને કહે છે, “પ્રિયે, આ હું નહીં કરી શકું.” શક્તિ તો આશ્ચર્યચકિત બની જાય છે. “કેમ, સ્વામી તમે શું કહો છો? તમે તો જગત ના તાત છો. આટલી નાની વસ્તુ તમે કેમ ના કરી શકો?”
શિવ પ્રતિઉત્તરમાં કહે છે, “ હું તેને નહીં આપી શકું કારણકે તે લેવા માટે તૈયાર નથી.” શક્તિ જરાક ગુસ્સે થઈને પૂછે છે, “એટલે શું તમે એમ કહો છો કે તમે તેના રસ્તા માં એક થેલી સોનું નહીં નાખી શકો?”
શિવ કહે છે, “તે હું કરી શકું, પણ તે અલગ જ બાબત છે.” શક્તિ ફરી યાચના કરે છે, “તો મહેરબાની કરો.” એટલે શિવ વશ થઈને તે વ્યક્તિ ના રસ્તા માં એક સોનાની થેલી નાખે છે.
આ વ્યક્તિ તે દરમિયાન ચાલતો ચાલતો વિચારે છે, “આજે મને રાત્રી નું ભોજન મળશે કે પછી ફરી ભૂખ્યા સુવું પડશે?” રસ્તા નો વાંક વળતાં તેની નજરે કંઇક પડે છે. “આહા,” તે કહે છે. “જો ત્યાં મોટો પત્થર પડ્યો છે. હું કેટલો નસીબદાર કે મારી નજરે ચડ્યો. નહીંતર મારા આ તૂટેલાં પગરખાં વધું તૂટી જાત.” અને આમ તે સોનાની થેલી ઉપરથી ઠેકી ને પોતાને રસ્તે ચાલતો થયો.
એવું લાગે છે કે જીવન આ રીતે ઘણીવાર આપણા રસ્તે સોનાની થેલી આપે છે. પણ તે જે છે તે દેખાઈ તે જુજ રીતે બને છે.
"Grace" નામક પુસ્તક1 માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) જીવન આપણા રસ્તે આપતી ભેંટો માટે આપણે તૈયાર રહેવાનું છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય તમારે રસ્તે મળેલાં સોનાને ઓળખી શક્યા છો?
૩.) દરેક અનુભવ માં સોનું જોવામાં શું મદદ કરશે?
Kitchen Table Wisdom (book), from "Grace" chapter, p88-89.