તમને તમારું ગીત યાદ છે?
- એલન કોહેન
આફ્રીકા ની અમુક જાતિ માં જયારે સ્ત્રી ગર્ભવતી બને, ત્યારે તે તેના મિત્રો સાથે વન માં જાય અને તેઓ ત્યાં સુધી પ્રાર્થના અને ધ્યાન કરે જ્યાં સુધી તેમને બાળક નું ગીત ન સંભળાય. તેઓ જાણે છે કે દરેક આત્માનું પોતાનું સ્પંદન હોય છે જેના દ્વારા તે પોતાનો આગવો રસ અને મનોરથ પ્રગટ કરે છે. પછી તે સ્ત્રી તે ગીત સાથે એકાકાર થાય છે, અને તેને મોટેથી ગાય છે.
પછી તે કબીલામાં પાછી ફરી ને બધાને આ શીખવે છે. જયારે બાળકનો જન્મ થાય ત્યારે કબીલા વાળા સાથે મળીને અને તેને ગાય ને સંભળાવે છે.
જયારે બાળક ભણવાનું શરુ કરે, ત્યારે ફરી તેઓ સાથે મળીને તેને તેનું ગીત સંભળાવે. જયારે તે પુખ્ત બને, ત્યારે ફરી તેને તે ગીત સંભળાવે.
તેના લગ્ન થાય ત્યારે ફરી એકવાર તેને તે સાંભળવા મળે.
આખરે, તેનું મૃત્યુ થવાનું હોય, ત્યારે તેનો પરિવાર અને મિત્રો તેના પલંગ ની આસપાસ ભેગા થઈને, જેમ તેના જન્મ વખતે કર્યું હોય, તેવીજ રીતે ફરી તે ગીત તેના નવા જન્મ માટે ગાય છે. આ જાતિ હજી એક વેળાએ આ ગીત તે વ્યક્તિ માટે ગાય છે.
ક્યારે પણ તેના જીવનકાળ દરમિયાન, જો તે વ્યક્તિ કોઈપણ ગુનો કરે અથવા તો અસામાજિક કોઈ કૃત્ય કરે, તો તેને ગામ ની વચ્ચે બોલાવવા માં આવે છે અને પછી લોકો તેની આસપાસ વર્તુળ માં ઉભા રહે છે. અને ત્યારબાદ તેને માટે આ ગીત ગાય છે. આ કબીલો એ જાણે છે કે અસામાજીક કૃત્ય ને સુધારવા માટે શિક્ષા નહીં ; પરંતુ પ્રેમ અને તેના અસ્તિત્વ ની યાદ અપાવવા ની વધુ જરૂર છે.
તમે જયારે તમારા ગીત ને ઓળખી જશો, ત્યારે તમને કોઈને પણ દુખ પહોંચે તેવું કરવાનું મન નહીં થાય.
મિત્ર એ છે જે તમારું ગીત જાણે છે અને તમે જયારે તેને ભૂલી જાવ ત્યારે તમને યાદ અપાવવા ગાય છે. જેઓ તમને પ્રેમ કરે છે તેઓ તમારી કરેલી ભૂલો થી કે તમારા કાળા પડછાયા જે તમને ઘેરે છે, તેનાંથી છેતરાતા નથી. જયારે તમે પોતે કદરૂપા હોવ તેવો અનુભવ કરતાં હો ત્યારે તેઓ તમારા સ્વરૂપ ને યાદ રાખે છે; અપૂર્ણ હો ત્યારે તમારી પૂર્ણતા; દોષિત હો ત્યારે નિર્દોષતા; અને જયારે વ્યગ્ર હો ત્યારે તમારા જીવન નો ઉદેશ્ય.
તમે આફ્રિકાના તે કબીલામાં ભલે જન્મ ન લીધો હોય જે તમને જીવન ના મહત્વ ના પડાવો વખતે તમારું ગીત સંભળાવે, પણ જીવન હંમેશ ઈશારો કરે છે કે તમે પોતાની સાથે તાલબદ્ધ છો કે નથી.
તમે જયારે કુશળ અનુભવ કરતાં હો, ત્યારે તમે જે કરો છો તે તમારા ગીત સાથે તાલબદ્ધ હોય છે, અને જયારે તમે અકુશળ હો, ત્યારે નહીં. આખરે તો આપણે આપણા ગીતને જાણી જ જઈશું અને ઉત્તમ રીતે ગાય શકીશું. અત્યારે તમે કદાચ બેસુરો અનુભવ કરી રહ્યા હો, પણ આવું તો દરેક મહાન ગાયક ને થતું હોય છે. બસ ગાતાં રહો અને તમને તમારા મુકામ નો રસ્તો મળી રહેશે.
---એલન કોહેન ના પુસ્તક “Wisdom of the Heart” માંથી ઉદ્ધૃત.
મનન ના પ્રશ્નો:
૧.) એવો મિત્ર કે જે તમે તમારું ગીત ભૂલી જશો તો તેને યાદ હશે અને તે ગાય ને તમને યાદ કરાવશે—આ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય કોઈએ તમારું ગીત યાદ કરાવ્યું હોય તેવો અનુભવ થયો હોય તો વર્ણવો
૩.) અન્ય ની ભૂલ ને પરે તેના ગીત સાથે સંલગન થવામાં શું મદદ કરશે?