કંઇક પામવા માટે, તેને શોધવા ન જાવ – રોબીન વોલ કિમેરેર
વિમાન પ્રસ્થાન અને ઉતરાણ વચ્ચે, આપણે બધાં એક સ્થગિત દશા માં હોય છીએ, આપણા જીવનના ચરણો વચ્ચે નો અંતરાલ જાણે. જયારે આપણે બારી ની બહાર સૂર્યના પ્રકાશ માં નજર કરીએ, ત્યારે ભુદ્ર્શ્ય એક સપાટ પ્રદેશ, જેમાં પર્વતો જાણે સમય ની ચાડી ખાતી કરચલી જેવા દીસે છે. આપણી આ ઉપર ની સફર થી બેખબર નીચેની દુનિયા માં અનેક કથાઓ જન્મ લઈ રહી હોય છે. ઓગસ્ટ મહિનાના તડકા માં પાકતાં બોર; એક સ્ત્રી જે પોતાની બેગ બાંધી ને દરવાજે સ્હેજ અટકી છે; એક પત્ર જે ખોલતાંજ તેમાંથી એક આશ્ચર્યજનક ફોટો સરકી ને બહાર પડ્યો. પણ આપણે ખુબ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ અને ઘણા દૂર છીએ; એટલે આ બધી કથાઓ આપણી પાસે આવતા પહેલાં સરી જાય છે, સિવાય કે આપણી પોતાની.
આપણે બિચારા અલ્પદ્ર્ષ્ટિ માણસો, ના તો આપણી પાસે બાજનજર છે, કે, દૂરનું સ્પષ્ટ જોઈએ, ના તો માખી જેવી વિહંગાવલોકન શક્તિ. જોકે, આપણે આપણા મોટા મગજ થી, આપણી અલ્પદ્ર્ષ્ટિ વિષે સભાન જરૂર રહી શકીએ. નમ્રતા, જેનો અંશ આપણી જાતી માં ભાગ્યેજ હોય છે, તેના વડે, આપણે એટલું કબુલ કરી શકીએ કે, આપણે ઘણું નથી જોઈ શકતા, અને એટલે દુનિયા જોવા માટે અનેક નવી યોજનાઓ ઘડીએ છીએ. ઉપગ્રહો જે ઈન્ફ્રારેડ ચિત્રો બતાવે, દૂરદર્શી પ્રકાશ યંત્રો, અને હબલ ટેલીસ્કોપ જે બહાર ની બહોળાઈ ને સંક્ષિપ્ત કરી ને આપણી નજર માં લાવે છે. ઈલેક્ટ્રોન માય્ક્રોસ્કોપ જે આપણી અંદર રહેલ અણુ અને કોષો ના જગતમાં આપણને ફેરવી શકે છે.
પણ વચ્ચે ના તાર ઉપર, જ્યાં નજર ને મદદ નથી, ત્યાં આપણી સંવેદના વિચિત્ર રીતે નબળી પડે છે. આધુનિક તકનીક થી, આપણે આપણી પરે શું છે, તે જોવાની કોશિશ કરીએ, પરંતુ આપણી સાવ નજીક જે અગણિત ચોખ્ખા સત્યો છે, તેના તરફ અંધ બનીએ છીએ. આપણને એમ છે કે, જયારે પરત ખોતરીને જોઈએ ત્યારેજ જોયું કહેવાય.આપણી તીક્ષ્ણતા આ મધ્ય તાર ઉપર મંદ પડે છે, કોઈ નજર દોષ ને લીધે નહીં, પણ, મનની ઈચ્છા ને કારણે. શું આ બધાં યંત્રો એ આપણો આપણી દ્રષ્ટિ પરથી વિશ્વાસ ઓછો કર્યો છે? કે પછી, જેમાં યંત્રો નું કંઇજ કામ નથી અને માત્ર ધીરજ અને સમય માગે તેવી બાબતો ની આપણે ઉપેક્ષ કરીએ છીએ? સાવધાની માત્ર, કોઈપણ સુક્ષ્મદર્શક કાચ ને પડકારી શકે છે.
મારા એક ઓળખીતા ચયેન ના વડીલ મિત્ર એ, મને એકવાર કહ્યું કે તમારે કંઈપણ પામવું હોય તો તેની શોધ ન કરવી. એક વિજ્ઞાની માટે આ અઘરું છે. પણ તેમને કહ્યું કે આંખને ખૂણેથી, તક તરફ દ્રષ્ટી ખુલ્લી રાખવી, અને તમને જે જોઈએ છે તે સામે પ્રગટ થશે. જેના પ્રત્યે હું ક્ષણભર પહેલાં આંધળી હતી તેનું પ્રાકટ્ય મારી સામે થવું, તે મારે માટે એક અવર્ણનીય અનુભવ હતો. એ ક્ષણો ને યાદ કરતાં હું એક વિસ્તરણનું મોજું અનુભવું છું. મારી દુનિયા અને બીજાની દુનિયા વચ્ચે ની હદ, આ સ્પષ્ટ પ્રાકટ્ય થી, આછી થવા માંડે છે, આ અનુભવ, આનંદ અને વિનમ્રતા નો પ્રાદુર્ભાવ છે.
-----રોબીન વોલ કિમેરેર એક વનસ્પતિશાસ્ત્રી છે. ઉપરોક્ત તેમના પુસ્તક “Gathering Moss: A Natural and Cultural History of Mosses” માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) તમારે જે પામવું છે, તેને શોધવા ના જવું, આ કથન વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે તક તરફ દ્રષ્ટી રાખી હોય અને પ્રાકટ્ય નો અનુભવ થયો હોય તો વર્ણવો?
૩.) તક તરફ દ્રષ્ટિ ખુલ્લી રાખવા શું મદદ કરશે?