પવિત્રતા ના ત્રણ ગુણ
એન્થોની દે મેલો
સાચા સુખ નું કોઈ કારણ નથી હોતું. તમે કોઈ કારણ વગર ખુબ ખુશ રહી શકો છો.ખરો આનંદ અનુભવવો શક્ય નથી.આ ચૈતન્ય ક્ષેત્ર ની પરે છે. તેવુંજ પવિત્રતા નું છે.
પવિત્રતા આત્મ ચૈતન્ય ની શૂન્યતા છે-અનાત્મ નું લક્ષણ . જેવું તમને એમ થાય, કે, તમે પવિત્ર છો, કે, તે ક્ષણે આ ભાવ માં ખટાશ આવે છે અને તે દંભી આત્મતુષ્ટિ માં પરિણમે છે. એક સારું કાર્ય તોજ સારું રહે જયારે તમને તેના સારા હોવાનું કોઈ ભાન ના હોય- તમે તે કાર્ય માં એટલા રત હો, કે, પોતાની બાબત માં કે તમારા ગુણ કે નૈતિકતા વિષે જરાક પણ આત્મ ભાવ ના હોય. તમારા ડાબા હાથ ને પણ ખબર ના પડે કે જમણો હાથ કૈક ઉચ્ચ અને ગુણકારક કાર્ય કરી રહ્યો છે. તમે તેવું એટલે કરો, કે, તે સ્વાભાવિક અને સહજ છે. જો એ સાચો ગુણ હોય, તો આ એટલું સહજ હોય કે, તમને એવો વિચાર પણ ના આવે કે તે ગુણ છે.
બીજું, પવિત્રતા સહજ છે
પ્રયત્ન દ્વારા તમે વર્તન બદલી શકો પણ પોતાની જાત ને નહીં. વિચારો; પ્રયત્ન થી તમે કોળીઓ મોંમાં મૂકી શકો, પણ પ્રયત્ને ભૂખ પૈદા ના થાય: તે તમને પથારીમાં લઇ જાય, પણ ઊંઘ ના પૈદા થાય; તેના વડે તમે કોઈ ની સાથે તમારી ગુપ્ત વાત વ્યક્ત કરી શકો, પણ તે વિશ્વાસ ઉભો ન કરી શકે; પ્રયત્ન થી તમે કોઈ ના વખાણ કરી શકો, પણ સાચી કદર ઉભી ના થઇ શકે.
પ્રેમ, મુક્તિ અને ખુશી ને તમે કેળવી કે પૈદા ના કરી શકો. તે શું છે, તેને પણ તમે ના જાણી શકો. તમે માત્ર તેની વિરુદ્ધ નું જે છે, તેના તરફ દ્રષ્ટી કેળવો અને આમ જોતાં જોતાં તે વિરુદ્ધ બાબતો વિલુપ્ત બને. તમારો અહંકાર સમજો અને તે લુપ્ત બને અને પરિણમે નમ્રતા. તમે તમારો શોક સમજો, અને તે વિલુપ્ત થાય અને પરિણમે આનંદ. તમે તમારો ભય સમજો અને તે ઓગળી જાય અને પરિણમે પ્રેમ. તમારા મોહ ને સમજો અને તે અદ્રશ્ય થાય અને તેના પરિણામે મુક્તિ મળે.
ત્રીજું, પવિત્રતા ઈચ્છા ને આધીન નથી.
જો તમે આનંદ ની તૃષ્ણા કરો તો તમે સતત બેચેન રહો, કે, જો તે નહીં મળે તો. તમે સતત એક અસંતોષ માં રહો; અને આ અસંતોષ અને બેચેની તમે જે આનંદ મેળવવા નીકળ્યા હતા તેનો નાશ કરી નાખે છે. તેવી રીતે, તમે જયારે પોતાની જાત ને પવિત્ર બનાવવા ની ઝંખના રાખો છો, ત્યારે તે ઝંખના, લાલચ અને મહત્વકાંક્ષા ઉત્તપન કરે છે, જે તમને સ્વાર્થી, પોકળ અને અપવિત્ર બનાવે છે.
તમારી અંદર બદલાવ ના બે ઉદગમસ્થાન છે. એક છે તમારા અહંકાર ની ચાલાકી, જે તમને પ્રયત્ન કરવા ધક્કો મારે અને એવું બનવા માટે, જે તમારે બનવું છે તેનાથી વિપરિત છે, તેવું કરીને તે પોતાની જાત ને પોષે છે અને આપવડાઈ કરે છે. બીજું છે, પ્રકૃતિ ની પ્રજ્ઞા. આ પ્રજ્ઞા નો આભાર, કે તમે સજગ બનો, અને સમજો. અને માત્ર આજ કરવાનું છે, બધું છોડીને-બદલાવ- તેનો પ્રકાર, રીત, ગતિ અને બદલાવ નો સમય -બધું પ્રકૃતિ અને યથાર્થતા પર છોડીને. જે બદલાવ આવે છે, તે તમે અંકિત કરેલી રૂપરેખા કે પ્રયત્ન નું પરિણામ નથી, પણ પ્રકૃતિ ની દેન છે, જે તમારી યોજના અને ઈચ્છા ને ઠુકરાવે છે, અને તેવું કરીને કોઈપણ શ્રેય કે પુણ્યફળ, કે પછી તમારા ડાબા હાથ ની તેવી સજગતા કે જમણા હાથ દ્વારા યથાર્થ શું થઇ રહ્યું છે, તેવા ભાવ ને લેશમાત્ર સ્થાન નથી આપતી.
-
એન્થોની દે મેલો એક ખ્રીસ્તી પાદરી હતા. આ તેમના પુસ્તક 'The Way to Love' માંથી ઉદધૃત.
મનન ના પ્રશ્નો:
૧.) ગુણ કે પવિત્રતા અનાત્મ ભાવ નું લક્ષણ છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) ગુણ ની વિરુદ્ધ નું લક્ષણ તમે ક્યારેય પોતાની અંદર જોયું છે?
૩.) અહંકાર ની ચાલાકી માંથી નીકળી અને પ્રકૃતિ ની પ્રજ્ઞા તરફ વળવા માં શું મદદ કરશે?