અધ્યાત્મિક જીવન અંતર થી શરૂ થાય છે
– યોઆન ચિતીસ્તર
સત્ય એ છે, કે, આપણે આપણું જીવન વિરોધાભાસ ના કેન્દ્ર થી અલગ થઇ ને વિતાવ્યે છીએ. એક છોર પર જે સત્ય લાગે, તે, બીજા છોર પર અસત્ય ભાસે છે. જીવન અસંગતિ થી બનેલું છે: જીવન મૃત્યુ માં પલટાય; જે તમને અત્યંત આનંદ આપે, તે, ચોક્કસ તેવો અને તે માત્રા માં સંતાપ પણ લાવશે; પૂર્ણતા પણ એક અપૂર્ણ કલ્પના છે; દરેક પ્રકાર ની વફાદારી સાથ નું વચન આપે છે પણ તેનો પણ ક્યારેક અંત આવેજ છે.
આ બધી બાબતો નો કઈ રીતે હિસાબ રાખી શકીએ? કેવી રીતે આપણે વ્યવ્હાર જાળવવો? આવી બાબતો માં જ્યાં એટલીજ મૂંઝવણ છે, તેમાં કેવી રીતે નિરાંત મેળવવી? આ સવાલો કયારેય જતાં નથી, પરંતુ, બધીજ સદીઓ ના અધ્યાત્મિક ગુરુઓ ને આની જાણ હતી; કે તેનાથી ત્રાસી જવાને બદલે તેનો સામનો કરી ને તેની પાર પહોંચી જવાનું છે. જીવન માં એવી ક્ષણ આવે છે જયારે વિરોધાભાસ ને માત્ર સમજવાનો નહીં પણ તેને હંમેશ શાંત કરવાનો છે.
મઠ માં રહીને થતી અધ્યાત્મિક સાધના નું મહાન સત્ય એ છે, કે, જાગૃતિ માં જીવીએ, અને જયારે જીવન ગુણાતીત ની આભા માં જીવાય, જયારે રોજબરોજ ની ઘટમાળમાં અંતર ના ચૈતન્ય ને શોધી શકીએ, અને જ્યાં વિરોધાભાસ વચ્ચે, આપણે જીવન ને પૂરું જીવીએ, અને તેની ગહેરાઈ માં ઊંડે સુધી જઈએ.
સરેરાશ વ્યક્તિ માટે જેનું જીવન તેની સાધારણતા ને કારણે આદર્શ બની રહે છે – મારા અને તમારા જેવા વ્યક્તિઓ માટે, દાખલા તરીકે – આપણી અંદર શું પ્રવેશ કરે છે, તે આપણા સ્વસ્થ જીવન અને સાચી આધ્યાત્મિકતા માટે ખુબ મહત્વનું બની રહે છે.
સ્પષ્ટપણે, અધ્યાત્મિક જીવન ની શરૂઆત માણસ ના અંતર થી થાય છે. જ્યારે તેની અંદર ના તોફનો પીછેહઠ કરે છે, અને આસપાસ ની દુનિયા સ્થિર અને શાંત બને છે. અથવાતો બીજી રીતે સમજાવું, કે વોલસ્ટ્રીટ આર્થિક ગણિત ની ભૂલ ને કારણે ડૂબી નથી પરંતુ અમાપ લાલચ ને લીધે. આપણા આત્મા ની અંદર આપણે જે ભાવો ને રાતભર આશરો આપીએ છીએ તે જ આપણા દિવસભર ના કાર્યો રૂપે જીવંત બને છે.
જીવન ના તત્વ અને અર્થ સાટે કરેલું આ એકચિત્ત ધ્યાન, સાથે અંતર ની સ્થિરતા અને શાંતિ તરફનું લક્ષ, એ જીવન ને અંતર ના પ્રકાશ અને ઊંડી આત્માની અગ્નિ વચ્ચે જીવંત બનાવે છે. જીવન ની લીલી-સુકી અને નજીવી અપૂર્ણતા થી વધારે પ્રભાવિત થયા વગર અંતર ના ચૈતન્યમાં કેન્દ્રિત થવું, તે આત્મા ને સ્થિરતા પ્રદાન કરે છે, જે આજુબાજુમાં, વિવિધ પ્રકાર કે માત્રા માં રહેલા તોફાનો ને કાબુ માં રાખે છે.
આપણા સમયમાં આજ વિરોધાભાસ છે જે આપણી અંદર સ્થિત બની, આપણને મૂંઝવે છે, આપણી શક્તિ હણી લે છે, અને અંતે, રોજબરોજ ની ઘટમાળ આપણી શક્તિ પરના વેરા ની જેમ વર્તે છે. આ આપણને અંતર ના ઊંડાણમાં પોકારે છે. જીવન પાછળ રહેલું જીવન જોવા આર્તનાદ કરે છે. આ અંદર કે આસપાસ રહેલા વિરોધાભાસ ની સન્મુખ બનવું, તેનો આપણા માટે શું અર્થ છે તેનું ચિંતન કરવું, તે અંતે અને કાળક્રમે, આપણા જીવન માં ચૈતન્ય ને કર્મસ્થાન અને સત્તા આપે છે.
--સિસ્ટર યુઆન તેમની યુવાવસ્થાથી સાધ્વી છે, તેઓ ન્યાય ના વકીલ છે અને તેમને ૫૦ થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તક
“Between the Dark and the Daylight” માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) અધ્યાત્મિક જીવન અંતર થી શરૂ થાય છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) જીવન ની લીલી-સુકી માં અટવાયા વગર તમે ચૈતન્ય માં સ્થિર થયા હો, તેવો અનુભવ કર્યો હોય તો વર્ણવો.
૩.) જીવન ના વિરોધાભાસ નો સામનો કેવી રીતે કરી શકીએ?