સંતાપ નો અંત આણવા ની ચાવી
-જે. કૃષ્ણમૂર્તિ
સુરક્ષિત સંબંધ માં રહેવાની માંગ નિશ્ચિતપણે સંતાપ અને ભય નો ઉછેર કરે છે. સુરક્ષા ની ખોજ અસુરક્ષિતતા ને આમંત્રિત કરે છે. તમને ક્યારેય તમારા કોઈ સંબંધ માં સુરક્ષા મળી છે? ક્યારેય? આપણામાં ના મોટાભાગના લોકો ને પ્રેમ કરવો અને મેળવવો, તેની સુરક્ષા ની ખેવના હોય છે, પણ આમાં પ્રેમ ક્યાં છે, જ્યાં આપણે પોતાના પથ પર, પોતાની સુરક્ષા ની વાંછના કરતાં હોઈએ? આપણને પ્રેમ નથી મળતો કારણકે આપણે પ્રેમ કેમ કરાય તે નથી જાણતા.
સંબંધ માં આપણે, વારંવાર એવું કહીએ કે, “જ્યાં સુધી તું મારો છે, ત્યાં સુધી હું તને પ્રેમ કરું, પણ જો મારી માલિકી પૂરી થાય તો હું તને નફરત કરું. જ્યાં સુધી તું મારી ઈચ્છાઓ ને પૂરી કરે, કામવાસના કે બીજું કાંઈપણ, તો હું તને પ્રેમ કરું. જે ઘડીએ મારે જે જોઈએ, તે આપવાનું તું બંધ કરે, કે તું મને ના ગમે.” તમે જ્યાં સુધી બીજા ઉપર તમારા સંતોષ માટે આધાર રાખો ત્યાં સુધી તમે તેના ગુલામ છો. તો જયારે કોઈ પ્રેમ કરે, ત્યારે મુક્તિ હોવી જોઈએ, માત્ર બીજાનાથી નહીં પણ પોતાનાથી પણ.
આ બીજાનું થઇ ને રહેવું, બીજા દ્વારા માનસિક પોષણ મેળવવું, બીજા પર આધારિત રહેવું- આ બધાં માં હંમેશ અરાજકતા, ભય, ગુનાહિત લાગણી અને ઈર્ષા વસેલી છે, અને જ્યાં સુધી ભય છે, ત્યાં સુધી પ્રેમ હોય જ ના શકે; એક સંતાપિત મન, પ્રેમ શું છે તે જાણીજ ન શકે; ભાવુકતા અને લાગણીશીલતા ને પ્રેમ સાથે કાંઈ લેવા દેવા નથી. એટલેજ પ્રેમને સંતોષ અને આકાંક્ષા સાથે પણ કાંઈ લેવા દેવા નથી પ્રેમ કંઈ ભૂતકાળ ના વિચાર નું પરિણામ નથી. વિચાર તો પ્રેમ પ્રગટાવી પણ ન શકે. પ્રેમ હંમેશ જીવંત વર્તમાન હોય છે. તમે જો પ્રેમ ને જાણતા હશો, તો તમે કોઈનું અનુસરણ નહીં કરો. પ્રેમ કોઈના હુકમ ને આધીન નથી. તમે પ્રેમ કરો ત્યારે આદર કે અનાદર બંને નથી. કોઈ ને પ્રેમ કરવો એટલે શું એ તમે જાણો છો- નફરત, ઈર્ષા, ભય, ક્રોધ વિનાનો પ્રેમ કે પછી બીજા શું કરે છે કે વિચારે છે તેમાં દખલગીરી વિના, કે નિંદા કે તુલના વગર નો પ્રેમ?
પ્રેમ માં ફરજ કે જવાબદારી હોય, અને શું તે આવા શબ્દ પ્રયોગ કરે? તમે ફરજપરસ્ત બની ને કંઈપણ કરો તેમાં પ્રેમ હોય? ફરજ માં પ્રેમ હોય જ નહીં. ફરજ ના માળખામાં બંધાયેલા આપણે છેવટે નાશ પામીએ છીએ. જ્યાં સુધી ફરજપરસ્તી થી આપણે કંઈપણ કરવા મજબુર બનીશું, ત્યારે જે કરીશું તેમાં પ્રેમ નહીં હોય. જ્યાં પ્રેમ હોય, ત્યાં કોઈ જવાબદારી કે ફરજ નથી હોતી.
તમે ક્યારેય બીજા માટે આંસુ સાર્યા છે?
જો તમે પોતાની જ દયા ખાઈ ને રડ્યા કરો, તો તમારા આંસુ નો કંઈ અર્થ નથી કારણકે તમે માત્ર સ્વ-કેન્દ્રિત છો. તમે કોઈક ની પાછળ દિવાના બનો અને તેનામાં મમત્વ નું રોકાણ કરો અને પછી તેના વિયોગ માં રડો, તો, તે સાચી પ્રીત નથી. સંતાપ પોતે ઉભો કરેલો હોય છે, સંતાપ વિચાર થી પૈદા થાય છે, સંતાપ સમય નું પરિણામ છે.
તમારી અંદર તમે આ બધું થતું જોઈ શકો, જો તમે ખરેખર જોવાનો પ્રયાસ કરો. તમે એક નજર માં તેને સંપૂર્ણ રીતે જોઈ શકો, કોઈ વિષ્લેષણ નો સમય લીધા વગર. એક ક્ષણ માં તમે તેનું માળખું અને જે આ ક્ષુદ્ર અને ન્યૂન “હું” છે તેનો સ્વભાવ પારખી શકો. મારા આંસુ, મારો પરિવાર, મારો દેશ, મારી માન્યતા, મારો ધાર્મિકપંથ – આવી બધી ગંદકી, આ બધું તમારી અંદર છે. જયારે તમે તેને દિલથી જોશો, મનથી નહીં, જયારે હ્રદય ના ઊંડાણથી તમે જુઓ, ત્યારે સંતાપ દુર કરવાની ચાવી તમને જડશે.
મનન ના પ્રશ્નો:
૧.) પ્રેમ કરવો એટલે બીજાનાથી તો ખરીજ પણ પોતાનાથી પણ મુક્તિ મેળવવી એ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય નફરત, ઈર્ષા, ક્રોધ, નિંદા, તુલના કે દખલગીરી ની ઈચ્છા વિના ના પ્રેમ નો અનુભવ કર્યો છે?
૩.) હ્રદય ના ઊંડાણથી પોતાની અંદર રહેલી શુદ્રતા જોવામાં શું મદદ કરશે?